USCIRFનો અહેવાલ- પક્ષપાત અને જૂઠ્ઠાણાંનો સમન્વય
![USCIRF’s logo.](https://images.assettype.com/swarajya/2020-04/81d69b7a-36cd-49d1-9295-87f33cd6ec97/Anti_caa1__1_.png?w=1280&q=100&fmt=pjpeg&auto=format)
29 એપ્રિલ 2020ના રોજ, અમેરિકાની વિવાદાસ્પદ સંસ્થા USCIRF (યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓફ રિલિજીયસ ફ્રીડમ)એ ભારતને "ખાસ ચિંતા માટેના દેશો"ની શ્રેણીમાં મૂકવા માટેનું સૂચન આપ્યું. ઉલ્લેખનીય છે કે આ જ શ્રેણીમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ છે.
અહેવાલમાં ત્રણ કમિશનરોએ આ સૂચન સાથે પોતાનો મતભેદ પણ દર્શાવ્યો. પરંતુ આમ જોઈએ તો અહેવાલે અમેરિકાની સરકારને ઘણી બધી સલાહ અને સોફ્ટ ધાક-ધમકીઓ આપી. જેવી કે, ભારતના "પ્રતાડિત લઘુમતીઓ"ને અમેરિકાના એલચીઓએ મળવું થી લઈને ભારતની એજ્નસી અને ઓફિસર્સ ઉપર સેન્ક્શન લગાવવા. ભારતનાં વિદેશ મંત્રાલયે રિપોર્ટને બાયસ્ડ કહ્યો અને સાથે જ આ સંસ્થાને વ્યંગાત્મક રીતે "ખાસ ચિંતા માટેની સંસ્થા" કહી.
આ પ્રત્યુત્તર સ્વાભાવિક રીતે થોડોક ઉગ્ર લાગી શકે પણ જો ખરેખર કોઈ અહેવાલ વાંચે તો ખબર પડે કે તે કેટલો પક્ષપાત ભરેલો છે અને સાથે જ જુઠ્ઠાણાંથી ભરપૂર છે.
પહેલું, કમિશનનું CAA પરનું અવલોકન પૂરેપૂરું એક તરફી છે. અહેવાલ નવા CAAને કડક શબ્દોમાં વખોડી નાખે છે પરંતુ એક સ્વાભાવિક વાતને અવગણે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઇસ્લામિક દેશોના ધાર્મિક લઘુમતીઓ માટે નાગરિકતા માટેનો સમય ઘટાડવાથી તેમને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા તથા કેટલાય હક્કો મળશે. શું આ સંસ્થાને એ જ નથી જોઈતું કે લોકોને ધાર્મિક સ્વતંત્રતા મળે અને તેઓ પોતાના ધર્મનું છૂટથી પાલન કરી શકે?
અહેવાલ એવું પણ કહે છે કે, "સીએએ અને એનઆરસીને લીધે કરોડો મુસ્લિમોનો રાજ્યાશ્રય છીનવાઈ જશે." આ સદંતર ખોટી વાત છે. આ કાયદો માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ધાર્મિક લઘુમતીઓને જ લાગુ પડે છે. પોતાની જાતને આ દેશોમાંથી આવેલું સાબિત કરવું એ એટલું સહેલું પણ નથી.
બીજી વાત. અહેવાલ એમ કહે છે કે, "ફેબ્રુઆરીના અંતમાં દિલ્હીમાં થયેલા રમખાણોમાં હિંદુઓએ મુસ્લિમ રહેણાંકો પર જઈને હુમલા કર્યા." જ્યારે હકીકત કંઇક અલગ જ છે. સ્વરાજ્યએ પહેલેથી જ હિંદુઓ પર થયેલાં હુમલાઓનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું છે. (વાંચો: [1] [2] [3])
અહેવાલમાં ક્યાંય પણ શાહીનબાગ કે જાફરાબાદમાં મુસ્લિમ નેતાઓ જેવા કે ઉમર ખાલિદનાં ભડકાઉ ભાષણોનો ઉલ્લેખ સુદ્ધાં નથી થયો.
ત્રીજું, અહેવાલ ગાય સંબંધિત થતી હિંસાને સંપૂર્ણ રીતે એક જ રંગમાં દર્શાવે છે. અહેવાલ કહે છે, "મોબ લિંચીંગ, જે સોશ્યલ મીડિયા પર ઘણી વાર આયોજિત કરવામાં આવે છે. તેમાં બીફ ખાવાની, ગૌહત્યાની અને ઢોરોના ટ્રાંસપોર્ટ કરવાની શંકા પર મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને દલિતોને ટાર્ગેટ કરાય છે."
જો કે આ હિંસાની બીજી બે બાજુ પણ છે: ગૌતસ્કરી અને ગૌતસ્કરો વડે કરવામાં આવતા હુમલા. ગૌતસ્કરો વડે ખેડૂતો કે ગૌરક્ષકો પર કરવામાં આવેલા હુમલાઓના ઘણા બધા કિસ્સા છે. સ્વરાજ્યએ પહેલેથી જ તેનું પણ રિપોર્ટિંગ કર્યું છે. સાથે જ, રમઝાન મહિનો આવતા ભારત-બાંગ્લાદેશની સરહદ પર ગૌ-તસ્કરી વધી જાય છે અને ભારતની સેના પર પણ હુમલો થાય છે. આ કોઈ જ વાતોને ગાયને લાગતી હિંસામાં ગણતરીમાં લેવાઈ નથી.
એમાં ખાસ ચિંતાની વાત તો એ છે કે, અહેવાલ એવો દાવો કરે છે કે હુમલા કરનારાઓને બદલે હુમલાનો ભોગ બનનારા લોકોની ભારતના ગૌરક્ષા કાયદા વડે ધરપકડ કરવામાં આવે છે. આ વાત માટે કોઈ પણ સંદર્ભ કે સ્ત્રોત અપાતો નથી.
ચોથું, ધર્માંતરણ વિરોધી કાયદાની ટીકા કરવામાં પણ કમિશન કોઈ સંદર્ભ આપતું નથી અને આમ કરતા તેનો ખ્રિસ્તી મિશનરી પ્રત્યેનો સોફ્ટ કોર્નર છતો થાય છે. અહેવાલ કહે છે કે, "ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની જ ધર્માંતરણ માટે ધરપકડ થાય છે." તે કોઈ પણ ડેટા કે સંદર્ભ વગર એમ પણ કહે છે કે હિન્દુત્વવાદી સંસ્થાઓ ઠેર ઠેર મોટા પાયે ઘરવાપસીના કાર્યક્રમો કરે છે, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મપ્રચારકો પર હુમલા કરે છે, અને પોલીસ પણ માત્ર મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જ ધરપકડ કરે છે.
આ અહેવાલમાં ક્યાંય પણ ઈશાન ભારતમાં થતી વટાળપ્રવૃત્તિ અને ઝડપભેર વધી રહેલી ખ્રિસ્તી જનસંખ્યાનો કોઈ જ ઉલ્લેખ નથી. ઉલ્ટાનું અહેવાલ એમ કહે છે નવાં આવેલાં FCRA રેગ્યુલેશનથી ખ્રિસ્તી ધર્મપ્રવૃત્તિ કરનારી મિશનરીઓ પર ખતરો આવી ગયો છે.
પાંચમું, "જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક સ્વતંત્રતા પર કાપ" વાળો આખો વિભાગ બોગસ અને ગૂંચવણભર્યો છે. અહેવાલ મુજબ "કાશ્મીરમાં મૌલવીઓ અને ધાર્મિક સંશોધકોની ધરપકડ કરવામાં આવી." જ્યારે આ સદંતર જુઠ્ઠાણું છે, એક સામાન્ય સર્ચ કરતા પણ આવા કોઈ સમાચાર નથી મળતા કે કાશ્મીરમાં કોઈ મૌલવી કે જેનું અલગાવવાદી બૅકગ્રાઉન્ડ ન હોય તેની ધરપકડ થઈ હોય.
આ આખો અહેવાલ સંસ્થાના ઉદ્દેશ્યો પર પ્રશ્નો ઉભા કરે છે.
(લેખકે આ લેખ મૂળ સ્વરાજ્ય સામયિક માટે લખ્યો હતો ,આ તેનો ગુજરાતી અનુવાદ છે.)
Comments
Post a Comment