કઈ રીતે પાકિસ્તાનની સરકારે લઘુમતીઓ સાથે વર્ષો સુધી ભેદભાવ કર્યો?
![]() |
Pakistan flag (RIZWAN TABASSUM/AFP/Getty Images) |
ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે ભેદભાવ નવો નથી. પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ છોકરીઓનું અપહરણ અને તેમનાં બળજબરીથી કરાતાં ધર્મ પરિવર્તન લગભગ દર મહિને ભારતમાં હેડલાઇન બનાવે છે.
જો કે, ભારતમાં જે નિયમિત હેડલાઇન્સ નથી બનાવતું તે એ છે કે કેવી રીતે પાકિસ્તાનનું બંધારણ લઘુમતીઓ સામેના ભેદભાવમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
પાકિસ્તાનનું બંધારણ માને છે કે ઇસ્લામ રાજ્યનો ધર્મ છે અનેપણ તે લઘુમતીઓને તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર આપે છે. પરંતુ, પાકિસ્તાનના બંધારણની પ્રસ્તાવના મુજબ, રાજ્ય ઇસ્લામ દ્વારા ઘડવામાં આવેલા "લોકશાહી, સ્વતંત્રતા, સમાનતા, સહનશીલતા અને સામાજિક ન્યાય" ના સિદ્ધાંતોનું પાલન કરશે. એટલે કે બંધારણનું મુખ્ય પૃષ્ઠબળ એ ખાસ ધર્મ- ઇસ્લામ છે.
લઘુમતીઓ સાથે કેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે તે અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
પહેલું , પ્યુ રિસર્ચ સેન્ટરનું સંશોધન કહે છે કે પાકિસ્તાન વિશ્વના એવા 30 દેશોમાંનો એક છે જ્યાં રાજ્ય અને સરકારના વડા કોઈ ચોક્કસ ધર્મમાંથી હોવા જોઈએ - આ કિસ્સામાં વાત કરીએ તો ઇસ્લામના અનુયાયી હોવા જોઈએ.
1956 માં અપનાવવામાં આવેલા પાકિસ્તાનના મૂળ બંધારણની કલમ 41 મુજબ દેશના રાષ્ટ્રપતિ બનવા માટે મુસ્લિમ હોવું જરૂરી છે. પાછળથી પાકિસ્તાને 1973 માં અપનાવેલા બંધારણમાં આવેલી કલમ 91 મુજબ વડાપ્રધાન પદ માટે પણ આ જ આવશ્યકતા બનાવી દેવામાં આવી.
બીજું, કોઈપણ ઉદાર લોકશાહીમાં, મત આપવાનો અધિકાર એ નાગરિકોને સશક્ત બનાવવા માટેનું મૂળભૂત સાધન છે. એક રીતે જોઈએ તો મતદાન કરવાનો અધિકાર નાગરિકોને રોજિંદા જીવનમાં તેઓ જે મુદ્દાઓનો સામનો કરે છે તેવા મુદ્દાઓ પર પોતાનો અવાજ વધારવામાં અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં મદદ કરે છે. તે જ સમયે, જે નાગરિકોને આ અધિકાર નથી તે રાજકીય પક્ષો દ્વારા અથવા રાજ્ય દ્વારા સરળતાથી ટાળી શકાય છે કારણ કે તેઓ ‘વોટ-બેંક’ બની શકતાં નથી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકે 1980 ના દાયકામાં આ જ સિસ્ટમ ત્યાં દાખલ કરી હતી. હિંદુઓને ખાસ મતસભા પૂરતા અનામત આપી મર્યાદિત કરી દીધાં અને ત્યાં તેમને મત આપવાનો અને હિન્દુ પ્રતિનિધિને ચૂંટવાનો અધિકાર આપ્યો. અન્ય સ્થળોએ હિંદુઓ પ્રતિનિધિ ન ઉભો રાખી શકે તેવું પ્રાવધાન કરવામાં આવ્યું.
તેનો હિન્દુ જૂથો દ્વારા ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓએ આવી ચૂંટણી પ્રણાલી સામે પ્રતિકાર કરવા આંદોલન શરૂ કર્યું હતું. સુધમચંદે અલગ ચૂંટણી પ્રણાલી સામે જાગૃતિ ફેલાવવા અને તેની સામે લડવાની ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. તેમની ધોળા દહાડે પાકિસ્તાનમાં ઇસ્લામવાદીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી. આ સંદેશ હતો કે અધિકારની વાત કરવાવાળાને છોડવામાં નહીં આવે.
છેવટે 2002 માં આ પ્રથા નાબૂદ કરવામાં આવી. પરંતુ આ આપણને બતાવે છે કે કઈ રીતે પાકિસ્તાનમાં લઘુમતી અધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હતું.
ત્રીજું, કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડીયોલોજી.
આ કાઉન્સિલ પાકિસ્તાનની બંધારણીય સંસ્થા છે, જેની સ્થાપના અયુબ ખાને કરી હતી. તેનું કાર્ય રાજ્યની અને કેન્દ્રની સરકારો અને સંસદને ઇસ્લામિક મુદ્દાઓ પર કાનૂની સલાહ આપવાનું છે. સરકાર સામાન્ય રીતે આ કાઉન્સિલના સભ્યો તરીકે મૌલાનાઓ અને ઇસ્લામિક વિદ્વાનોની નિમણૂક કરે છે.
જ્યારે પણ કોઈ ખરડો વિધાનસભા અથવા સંસદ દ્વારા પસાર થાય છે, ત્યારે આ કાઉન્સિલ ચિત્રમાં આવે છે. ઘણી વાર આ કાઉન્સિલ જાતે જ બિલોને 'ઇસ્લામવિરોધી' અને 'બંધારણવિરોધી' કહીને કાયદો બનતો અટકાવે છે. આ તે જ કાઉન્સિલ છે જેણે પાકિસ્તાની પતિઓને તેમની પત્નીઓને 'હળવાશથી મારવા' સલાહ આપી હતી. આ ઉદારહણ તેમની રૂઢિચુસ્તતા બતાવવા માટે પૂરતું છે.
પાકિસ્તાની બાબતોમાં રસ ધરાવતા કોઈપણ જાણે છે કે સિંધમાં હિંદુઓની વસ્તી સૌથી વધુ છે અને તેઓને ત્યાં બળજબરીથી વટલાવવામાં આવી રહ્યા છે. તે વટાળવૃતિને રોકવા માટે, સિંધ પ્રાંત વિધાનસભાએ એક બિલ પસાર કર્યું.
બિલ રાજ્યપાલને મોકલવામાં આવ્યું હતું કે જેથી તે કાયદો બની શકે. પરંતુ કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડીયોલોજીએ બિલને ‘ગેરઇસ્લામિક’ અને ‘ગેરબંધારણીય’ નામનું લેબલ લગાવીને અટકાવી દીધું.
પાકિસ્તાનમાં કટ્ટરવાદને આ રીતે સંસ્થાગત કરવામાં આવે છે. પાકિસ્તાની બંધારણ અને તંત્ર મોટા પ્રમાણમાં શરિયા પર નિર્ભર છે.
પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા અન્ય સંશોધનનો આંકડો કહે છે કે 81 ટકા પાકિસ્તાનીઓ માને છે કે શરિયા કાયદો એ ‘ભગવાનનો શબ્દ’ છે અને તેને કોઈપણ સ્થિતિમાં બદલી શકાતો નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમના દ્વારા પસાર કરાયેલા કાયદાઓમાં સમાજની માનસિકતા પ્રતિબિંબિત થઈ શકે છે.
આ એક હિમશિલાની ટોચ સિવાય કશું જ નથી. પાકિસ્તાનના લઘુમતીઓ કે જેઓ તેમની ધાર્મિક માન્યતાને કારણે ભેદભાવનો નિયમિતપણે સામનો કરે છે તેમની વેદના ફરજથી વધારે હકો મેળવનારી લઘુમતી વડે જાણી શકાય નહીં. અને આ એક હકીકત છે, કોઈ કાલ્પનિક કથા નહીં!
આ લેખ મૂળ અંગ્રેજીમાં સ્વરાજ્ય સામયિક પર છપાયો હતો. આ તેનો ગુજરાતી અનુવાદ છે. લેખક ટ્વીટર પર @MehHarshil નામ થી ટ્વીટ કરે છે.
Comments
Post a Comment